શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલની ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કાગવડ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.