સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામમંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભૂમિપૂજન સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના સામાજિક-રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2017 સુધી, ખોડલધામ મંદિરના પાંચ દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ઉજવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી.. 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી, 2017 સુધીમાં, આ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 75 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. 1008 કુંડ હવનમાં, 6048 યજમાનો બેઠાં હતા જેની નોંધ એશિયા બુક અને ઈન્ડિયા બુકમાં ઓફ રેકોર્ડમાં કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે લેઉવા પટેલ સમાજના 5,09,261 લોકોએ સમૂહ રાષ્ટ્રગાન ગાઇને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ખોડલધામ રથ પરિભ્રમણને પણ એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું હતું. રાજકોટથી ખોડલધામ સુધીની શોભાયાત્રા યોજાઈ હતી તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
21 જાન્યુઆરી, 2015ના રોજ, ખોડલધામના પ્રાંગણમાં ઐતિહાસિક મેળાવડા વચ્ચે લેઉવા પટેલ સમાજના 521 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ ઘટના એશિયા બુક અને ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ હતી. આ પહેલી ઘટના હતી જ્યાં એક જગ્યાએ, એક જ સમાજના, એક સાથે આટલી મોટી સંખ્યામાં યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હોય.
ખેલ મહોત્સવ 29 અને 30 નવેમ્બર 2014ના રોજ ખોડલધામમાં યોજાયો હતો. ખેલ મહોત્સવમાં 8 જિલ્લાના 1 હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વિજેતા ખેલાડીઓનું સન્માન કરાયું હતું.
21 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2014 એશિયાના સૌથી મોટા કૃષિ મેળાનું ખોડલધામના આંગણામાં આયોજન કરવામાં આવ્યું હતું. 28 લાખથી વધુ લોકોએ કૃષિ મેળાની મુલાકાત લીધી હતી.
21 જાન્યુઆરી, 2012 ના રોજ શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. 21 લાખથી વધુ લોકોએ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, ભક્તિ દ્વારા એકતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. શિલાપૂજન વિધિ પ્રસંગે 24,435 યુગલોએ શિલાની પૂજા-અર્ચના કરી હતી. આ યુગલોએ એક જગ્યાએ હાથ મિલાવ્યા, તે જ સમયે, તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.
21 જાન્યુઆરી, 2011 ના રોજ, ખોડલધામ મંદિરના પ્રોજેક્ટનો શિલાન્યાસ યોજાયો હતો, જેમાં 11 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વિધિ સાત કુમારિકાઓ દ્વારા કરવામાં આવી હતી.