હિંદુ ધર્મના ચાર ધામમાંનું એક ધામ એટલે સૌરાષ્ટ્રમાં આવેલું દ્વારકા. અહીં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. લોકો દૂર દૂરથી દ્વારકાધીશના દર્શને આવે છે. ખોડલધામ મંદિરથી દ્વારકાનું અંતર 229 કિલોમીટર છે.
સૌરાષ્ટ્રનું ઐતિહાસિક શહેર એટલે જૂનાગઢ જે ખોડલધામ મંદિરથી માત્ર 48 કિલોમીટર દૂર આવેલું છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપરાંત દામોદર કુંડ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, મહોબત મકબરા, વિલિંગડન ડેમ, અશોક શિલાલેખ, ઉપરકોટ, નવઘણ કુવો, અડી-કડી વાવ, ખાપરા-કોડીયાની ગુફા, સ્વામિનારાયણ મંદિર સહિતના અનેક જોવાલાયક સ્થળો છે.
ખોડલધામ મંદિરથી 105 કિલોમીટરના અંતરે ગીરનું જંગલ આવે છે. માઈલો સુધી પથરાયેલા ગીરના જંગલમાં એશિયાટીક સિંહ વસવાટ કરે છે. માનસિક શાંતિ અને પ્રકૃતિની ગોદમાં ખોવાઈ જવા માટે ગુજરાતમાં ગીરનું જંગલ શ્રેષ્ઠ વિકલ્પ છે.
સતાધાર જૂનાગઢના વિસાવદર તાલુકાનું એક ધાર્મિક સ્થાન છે. સતાધારની જગ્યામાં હનુમાન મંદિર, શિવમંદિર, આપાગીગાનું સમાધીસ્થાન તેમ જ જગ્યાના મહંતોની સમાધીઓ આવેલી છે. સતાધારમાં બારેમાસ સદાવ્રત ચાલે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સતાધારની જગ્યાએ દર્શને જતાં હોય છે. ખોડલધામ મંદિરથી સતાધારનું અંતર 80 કિલોમીટર છે.
ગીરની રમણીય વનરાઇઓમાં આવેલ આનંદમય પ્રકૃતિ ધરાવનાર તીર્થસ્થળ એટલે તુલસીશ્યામ. ભગવાન વિષ્ણુ અને વૃંદા અર્થાત્ તુલસીના મહિમાનો સિતાર આપે છે તુલસીશ્યામ. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે. ખોડલધામ મંદિરથી તુલશીશ્યામનું અંતર 129 કિલોમીટર છે.
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે. પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થાન હોવાથી દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે. પોરબંદરમાં ગાંધીજીનું જન્મસ્થાન એવું કિર્તિમંદિર ઉપરાંત તારામંદિર, સુદામા મંદિર જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. ખોડલધામ મંદિરથી પોરબંદર શહેરનું અતંર 126 કિલોમીટર છે.
ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે, એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથમાં છે. ખોડલધામ મંદિરથી સોમનાથ મંદિરનું અંતર 140 કિલોમીટર થાય છે. સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે.
ઓસમ ડુંગર જવા માટે ખોડલધામ મંદિરથી 55 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં માઉન્ટ આબુ તરીકે ઓળખાતા ઓસમ પર્વતની પ્રાકૃતિક સુંદરતા માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં જાય છે. ડુંગર ઉપર બ્રિટીશ રાજ વખતનો કિલ્લો છે. પાંડવોએ અહીં વસવાટ કર્યો હોવાનું મનાય છે. ડુંગર ઉપર બનાવેલા મંદિરમાં હિડીમ્બાનો હીંચકો, ભીમની થાળી છે. ડુંગર ઉપર પૌરાણિક શિવમંદિરમાં શિવલિંગ પર આપોઆપ અભિષેક થાય છે.
સૌરાષ્ટ્રના સંત દેવીદાસે જૂનાગઢના ભેંસાણ તાલુકામાં પરબધામની સ્થાપના કરી હતી. સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો–સાદુળ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી, સંત કવિ દાસી જીવણ સાહેબ ની સ્મૃતિ નો કુવો પણ આવેલ છે. ખોડલધામ મંદિરથી પરબધામ નું અંતર 36 કિલોમીટર છે.
ખોડલધામ મંદિરથી 36 કિલોમીટરના અંતરે અનળગઢ હિલ સ્ટેશન આવેલું છે. ડુંગર ઉપર મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર અને પ્રાચીન કિલ્લો છે. ગોંડલ નેશનલ હાઈવેથી માત્ર 13 કિલોમીટરના અંતરે અનળગઢ આવેલું છે.
ખોડલધામ મંદિરથી જેતપુર શહેરનું અંતર માત્ર 15 કિલોમીટર છે. જેતપુરમાં પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ ઉપરાંત જીથુડી હનુમાન અને ભીડભંજન મહાદેવનું મંદિર આવેલું છે. આ ઉપરાંત જેતપુર સાડીઓના ઉદ્યોગ માટે પણ જાણીતું છે.
ખોડલધામ મંદિરથી 25 કિલોમીટર દૂર ગોંડલ આવેલું છે. ગોંડલમાં પ્રખ્યાત BAPSનું અક્ષર મંદિર આવેલું છે. ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી માતાનું મંદિર પણ ગોંડલમાં આવેલું છે. ગોંડલથી 6 કિલોમીટરના અંતરે આવેલા ઘોઘાવદરમાં દાસી જીવણનું મંદિર પણ આવેલું છે.
ખોડલધામ મંદિરથી 3 કિલોમીટરના અંતરે ખંભાલીડા ગામ આવેલું છે આ ગામમાં ચુનાના ખડકોમાંથી કોતરીને બનાવેલી બૌદ્ધ ગુફા આવેલી છે.
ખોડલધામ મંદિરથીસાડા સાત કિલોમીટર દૂર આવેલા વિરપુર ગામમાં સુપ્રસિદ્ધ જલારામ બાપાનું મંદિર આવેલું છે.