Blog
Home / Media / Blog / 21 જાન્યુઆરીએ મા ખોડલની સાનિધ્યમાં યોજાયો ભવ્ય ઓલ ઈન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમ
21 જાન્યુઆરીએ મા ખોડલની સાનિધ્યમાં યોજાયો ભવ્ય ઓલ ઈન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમ
February 27, 2023
0 Comments

ખૂબ જ ટૂંકાગાળામાં યાત્રાધામની સાથે સાથે પ્રવાસન ધામ બની ચુકેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરી 2023 ને શનિવારના રોજ છ વર્ષ પૂર્ણ થઈને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે આ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 21 જાન્યુઆરીના ઐતિહાસિક અને પાવન દિવસે ઓલ ઈન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવનિયુક્ત મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સવારે 8 કલાકે સાંસ્કૃતિક લોકડાયરાથી થઈ હતી. 25થી વધુ કલાકારોએ લોકસાહિત્ય અને હાસ્યરસ પીરસ્યો હતો. આ લોકડાયરાને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો. સમાંતરે જ યજ્ઞશાળામાં જિલ્લા કન્વીનરો દ્વારા હવન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટમાં જોડાનાર નવા ટ્રસ્ટીશ્રીઓનું ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. ત્યારબાદ 10 કલાકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શ્રી ખોડલધામ ખાતે આગમન થયું હતું. મુખ્ય પ્રવેશદ્વાર ખાતે મુખ્યમંત્રીશ્રીનું ટ્રસ્ટીમંડળ દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મા ખોડલના દર્શન કર્યા હતા. જ્યાં શ્રી નરેશભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સમાજ અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સભા સ્થળે મુખ્યમંત્રીશ્રી અને શ્રી નરેશભાઈ પટેલનું ખુલ્લી જીપમાં આગમન થયું હતું. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી થઈ હતી. ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલ અને ખોડલધામ મહિલા સમિતિના હસ્તે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના સન્માન બાદ નવનિયુક્ત મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓનું ખેસ પહેરાવી સન્માન કરાયું હતું. આ બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડમાં જોડાનાર નવા ટ્રસ્ટીશ્રીઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. અને ખોડલધામને રાષ્ટ્રફલક પર પહોંચાડવાનું છે. 15 વર્ષ પહેલા આ જગ્યા પર કોઈ અસ્તિત્વ ન હતું પરંતુ અત્યારે આપણે સૌએ રાષ્ટ્રને એક ખોડલધામ પરિસર રૂપી ભેટ આપી છે. આ તકે શ્રી નરેશભાઈ પટેલે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આભાર માન્યો હતો અને વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ છેલ્લા એક વર્ષમાં ટ્રસ્ટને જે પ્રકારે સહયોગ આપ્યો છે તે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ ખાતે આગામી વર્ષ 2027માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી. સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આગામી પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી હતી જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણ કરી શૈક્ષણિક, આરોગ્ય અને રમત-જગત ભવનો બનાવવાની જાહેરાત કરાઈ હતી.

શ્રી ખોડલધામ મંદિરે આયોજિત ઓલ ઈન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ખોડલધામ માત્ર પાટીદારોની સંસ્થા નથી પરંતુ તમામ સમાજના તમામ વર્ગની આસ્થાનું કેન્દ્ર છે. આ સંસ્થાએ સામાજિક સમરસતાનો ભાવ ઉજાગર કર્યો છે. અને આ ખોડલધામે નાના મોટા 10 જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. સાથે જ આ ભવ્ય આયોજન બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

21 જાન્યુઆરીએ યોજાયેલા ઓલ ઈન્ડિયા કન્વીનર અને સ્વયંસેવક મીટ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રીઓ, ભારત ભરના કન્વીનર, સહ કન્વીનર, સ્વયંસેવક, શ્રી ખોડલધામના નેજા હેઠળ કામ કરતી વિવિધ સમિતિ, સામાજિક આગેવાનો, સમાજના દાતાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે બપોરે સૌએ સમૂહમાં મા ખોડલનો મહાપ્રસાદ લીધો હતો.  આ સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 4 હજાર જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પરંપરા મુજબ ફરી એક વખત સ્વયંશિસ્તના દર્શન થયા હતા.

મુખ્યમંત્રીશ્રીની સાદગીના થયા દર્શન

શ્રી ખોડલધામ મંદિરે પધારેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાદગીના દર્શન થયા હતા. મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી પહોંચવા માટે મુખ્યમંત્રીશ્રી માટે ઈ-વ્હીકલની સુવિધા કરાઈ હતી પરંતુ મુખ્યમંત્રીશ્રી ટ્રસ્ટીઓ સાથે પગપાળા મંદિર સુધી દર્શન કરવા પહોંચ્યા હતા. આમ મુખ્યમંત્રીશ્રીના સરળ અને સાદગીભર્યા સ્વભાવના દર્શન થયા હતા.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

happy community
Together we build happy community
Join us in the journey of happy community, growing together for healthy and calm minded society.