Blog
Home / Media / Blog / Zankhi Pankhi Odakh – Yogesh Pandya
Zankhi Pankhi Odakh – Yogesh Pandya
February 4, 2020
0 Comments

આવો રળિયામણો પ્રસંગ આવશે એવું અરવિંદે ધારેલું ય કયાં ? પણ જે કદી ધાર્યું જ ન હોય અને એવું બને,
એનું નામ જ જિંદગી ! અને એનું નામ જ ભગવાનની અકળ લીલા !
પંદર પંદર વરસ અહીં જ નોકરી કરી હતી આજ શાળામાં ! આજ મકાનમાં ! આજ કમ્‍પાઉન્‍ડમાં, પંદર પંદર
વરસ લગી પગલા પડયા હતા પોતાના. પોતાની નોકરીની શરૂઆત જ અહીંથી થઇ હતી : એક બીજ વવાયું હતું.
સમય જતા બીજ અંકુર બન્‍યું. અંકુર છોડવો અને છોડવો, નાનું સરખું ઝાડવું !
અરવિંદની ભીની નજર તાકી રહી... આ શાળાને, હીંચકાને, લપસણીને, ફૂલને, છોડવાઓને, દીવાલોને,
ચોગાનને ! અરે, પેલા ફાલ્‍યા ફૂલ્‍યા લીમડાઓને કે જેને પોતે રોપ્‍યા હતા. આજ કેવા મરક મરક કરતા પોતાની સામે
હસી રહ્યા છે.
આ ઘેઘૂર લીમડા જેવી જ પોતાની લેખન કારકિર્દીય ઘડાઇ. અહીં હતો ત્‍યારે છૂટક- છૂટક વાર્તાઓ લખાતી
અને છપાતી. આમ તો પોતાને આઠમા ધોરણમાં ભણતો ત્‍યારથી જ વાર્તાઓ લખવાનો શોખ જાગેલો. તે વળી
રહેતા-રહેતા ફાલ્‍યો–ફૂલ્‍યો. અઢાર વર્ષ પૂરાં થયા ત્‍યાં તો નોકરીએ લાગી ગયેલો. પણ એ શોખ લોહીમાં વણાઇ
ગયેલો. પછી તો જુવાનીની સાથોસાથ વાર્તા લખવા સબબ લીલીછમ્‍મ કલ્‍પનાઓય ઘેઘૂર થવા લાગેલી. અહીં જ,
નોકરી કરતા-કરતા બે-ત્રણ એવોર્ડઝ પણ મળી ચૂક્યા, વાર્તાક્ષેત્રે.
જિલ્‍લા પંચાયત શિક્ષકસંઘ સમિતિ દ્વારા અભિવાદન અને સત્‍કાર સમારંભ પણ યોજાયો અને અહીંથી જ
એક જાણીતા દૈનિક વર્તમાનપત્રની બુધવારની પૂર્તિમાં કટાર લખવાના શ્રીગણેશ થયા. હાથનીચે કામ કરતા
શિક્ષકમિત્રોમાં અને ગામમાંય લેખક તરીકેની છાપ બંધાઇ ચૂકી હતી ને એક દિવસ ઓચિંતાની બદલી –
પંદર વરસ સુધી એેકજ ગામમાં રહેવાનું થયું હતું. ગામ સાથે માયા બંધાઇ ગઇ હતી. આ ગામના લોકો સાથે
જીવ મળી ગયો હતો. ગામના માણસોની માયા જલદી છૂટે એમેય નહોતી. અરે, ગામના માણસોની જ કેમ ? ગામની
શેરીઓની, ઝાડવાની, નદીઓની, તળાવની, સીમની, વગડાની, પાદરની.. અરે, ધૂળની માયા હતી ધૂળની !
‘બીજા કોની કોની માયા, અરવિંદ ?‘
-ભીતરથી કોઇ બોલ્‍યું. ભીનાભીના સ્‍મરણ મનોતટ ઉપર ધસી આવ્‍યા. અહીં આવ્‍યા પછી જ લગ્‍ન થયાં.
દક્ષાસાથે જિંદગીની પહેલી-પહેલી નવોન્‍મેષી મધુરતા, પ્રેમ અહીંજ ફૂલ્‍યો ફાલ્‍યો... અહીંના વગડામાં, હાથમાં હાથ
નાખી દક્ષા સાથે પોતે ઘૂમ્‍યો. હર્યોફર્યો. એ ‘ટીનએજરીયા‘ ઉંમરનો રોમાન્‍સ એટલે જ સ્‍તો શરૂઆતની વાર્તાઓમાં
ઊભરાયો હતો. ગામને આાથમણે પાર વહેતી ફલકુ નદીમાં ચોમાસામાં આવતતા ગાંડા પૂર જેવો!
અરવિંદને બંધ આંખે બધું ઉપરતળે થતું ગયું. કેવાકેવા વિત્‍યા હતા એ દિવસો ? કેવી હતી એ મધુુર-મધુર યાદો
! મધુર રાત્રીઓ. સોનેરી દિવસો !
-તેની તંદ્રા તૂટી.
‘એક શિક્ષકમિત્ર માઇક ઉપરથી બોલતા હતાં : આપણા અહીંના જ એક વખતના શિક્ષક અને હાલના
ઊંચાગજાના બની ચૂકેલા લેખક અરવિંદભાઇ શુક્લ. ‘અરવિંદ શુક્લનું‘નું નામ... અજાણ્યું નથી હવે ગુજરાતના

સાહિત્‍યકારોમાં. અરે, ગુજરાત જ નહીં પણ ગુજરાતના સીમાડા વળોટી દેશના રાજ્યો સુધી, અરે છેક દૂર દૂર
પરદેશની ધરતી સુધી... એા આપણા સ્‍વજન કહી શકાય તેવા અરવિંદભાઇનું અભિવાદન કરવા સૌપ્રથમ પુષ્‍પગુચ્છ
અર્પણ કરી શાલ ઓઢાડી સન્‍માન કરશે આ ગામના જ સરપંચ અને અરવિંદભાઇના જ એક વખતના તેજસ્‍વી
વિદ્યાર્થી-‘
વિક્રમ આગળ આવ્‍યો. અરવિંદને પ્રણામ કર્યા બાદ પુષ્‍પગુચ્છ અર્પણ કર્યો. અરવિંદને શાલ ઓઢાડતા-
ઓઢાડતા વિક્મની આંખોમાં ભીનાશ છવાઇ ગઇ. અરવિંદની આંખોમાં પણ ! અરવિંદે વિક્રમની પીઠ થપથપાવી અને
આશીર્વચન આપ્‍યાં !
‘આવ્‍યા છો તિ ધૈર્ય આવજો પાછા, બારોબાર વયા નંઇ જાતા..‘
‘આવીશ. ચોક્કસ આવીશ.‘
‘હું વાટ્ય જોઉં સુ. નો આવ્‍યા ને તો મારા હમ સે.‘
‘અરે અરે અરે...‘
-અરવિંદ કશોય વળતો પડઘો પાઠવે એ પહેલા તો સવુ ચાલતી થઇ ગઇ. અરવિંદ તેને તાકી રહ્યો. એક વખત
આમ જ તેને તાકી રહેતો!
એની કેડના લંક, એનો ઘઉંલો વાન, મારકણી આંખો, ઉગતી જુવાની-
અરવિંદની જુવાની તે દિ‘ આંટો લઇ ગયલી. વિ-જાતીય આકર્ષણ છાલ છોડે એમ નહોતું. ગામના સરપંચની
દીકરી હતી. દોમદોમ સાયબી ને જાહોજલાલીમાં ઉછરેલી અને તે દિ‘ અરવિંદને શિક્ષકની નોકરી મળતા નવો-નવો
હાજર થવા આવ્‍યો અને શાળાના આચાર્ય ગામમાં ભાડે મકાનનું નકકી કરવા માટે સરપંચના ઘરે જ લઇ ગયા. જોકે,
પછી ભાડું તો ભાડાના ઠેકાણે રહેલું, પણ સરપંચના ફળિયામાં પગ મૂકતા જ કોઇ પૂર્વજન્‍મની લેણાદેણી બાકી
નીકળતી હોવાનો અકળ ભાસ થઇ ગયેલો. એને જોઇને સરપંચે જે વહાલથી બોલાવેલો એ આવકારના ઉમળકાનો
રણકો જોઇને આચાર્ય પણ ખુદ વિમાસણ, આશ્ચર્યની અવધિમાં ડૂબી ગયેલા.
-એ વહાલ હજી ભૂલાયું નથી.
પંદર-પંદર વર્ષ લગી અરવિંદ એમના મેડા ઉપર રહ્યો. શરૂઆતમાં તો પાંચ-સાત વર્ષ એકલો જ હતો ! દક્ષાતો
પછી આવી. પણ એ પહેલા સવુ જિંદગીમાં આવી ગઇ હતી. બેય એકલા પડતાં. જોબનના કાંઠાનું જળ તોડીને જાણે
આખા ઘરમાં સવુ નદી બનીને દોડ્યા કરતી – સાગરમાં ભળી જવા માટે. પણ સાગર, કાંઠાની મરજાદ તોડી શકે એમ
નહોતો. ‘માસ્‍તરગીરી‘ની જંજીર, સમાજનો ડર, સરપંચ પ્રત્‍યેનું માન.. આ બધું વળગ્‍યું હતું. નદીને દરિયા વચ્‍ચેનો
બંધ બનીને.
‘તમે તો હાવ આવા ને આવા જ રયા, બોઘા જેવા ! કાંઇ ખબર જ નથી પડતી તમને. હાવ છોડી કરતાય
નપાવટનપાવટ ! મોળા મરચા જેવા ! મરચું તો તીખું હોવું જોવે-‘
અરવિંદ ક્યારેક વાફીએ જતો ત્‍યારે ખેડ-જમીન-સાતીસંચની વાતુમાં જે ન સમજાયું હોય એવી બાબત સવુને
પુછતો. ત્‍યારે સવુ મીઠો છણકો કરતી કહેતી. અરવિંદ એની છૂપી ફરિયાદનો ટોન ન સમજી શકે એવો અબુધ ક્યાં હતો
? એ સવુની ભાષા સમજી જતો. ભાષા માત્ર હોઠોથી બોલાયેલી જ નહીં, બલકે આંખોની, શરીરની, ચહેરા પર

છવાઇ વળતા ભાવ કે અભાવની પણ. મા ને કે, અરવિંદ જેવા શૃંગારિક રસને શબ્‍દોમા ઢોળતા રોમેન્‍ટિક લેખકને તો
સવુની આખેઆખી ‘બોડી લેંગ્‍વેજ‘ જ મોઢે હતી. પણ –
એ સવુને ધીરેથી કહેતો : ‘એવું નથી પણ મારે બધું જોવું રહ્યું.-‘
‘આંયા કોઇ નથ. પસી હું જોવાનું? હાલો ઓરડીમાં. જોઇ લ્‍યો મને આખેઆખી-‘ કહેતા એણે ઓચિંતાનું જ
બાવડું ખેંચ્યું.
‘નહીં નહીં સવુ...‘ એ હાથ છોડાવી લેતો અને સવુને વાડીએ એકલી મૂકીને ગામના મારગે વળી નીકળતો.
સવુ વીસ વરસની થઇ ચૂકી હતી. અને એક દિવસ તેને વળાવી દીધી. સવુ ચકલી બનીને ફરરર... કરતી ઊડી
ગઇ. પણ માંડ એકાદ વર્ા સંસાર ચાલ્‍યો. એ બચકો લઇને પાછી આવી. સાસરવાટનું દુ:ખ કૂણી માખણ સવુ
પચાવી ન શકી. ફારગતિ થઇ. લખણું બીજી વાર લગનના અક્ષર બનીને ન લખાયું એ બાપના ઘરે જ રહી. અરવિંદે
તેની જિંદગી ઉપરથી વાર્તા લખવી શરૂ કરી. : ‘જીવતર એટલે તો પંખીની જાત !‘
‘-સાહેબ, આટલો રસ તો લેવો જ પડશે !‘ ભોજન સમારંભ ચાલતો હતો. વિક્રમ, શિક્ષકો અને ગામના બેચાર
આગેવાન આગ્રહ કરવા માટે આવ્‍યા હતા. તેણે માન રાખવું પ્‍ડ્યું સહુના પ્રેમનું !
પણ ધીરે‘કથી છૂપકે છૂપકે ફરી વખત સવુ, ડમરી બનીને હૈયાની કોરી ધરતી ઉપર ઊડી રહી.
એક વખત અરવિંદને ટાઇફોઇડ થઇ ગયેલો. દક્ષા ડિલિવરી કરવા પિયર ગયેલી ! રજા મૂકી ઘેર ચાલ્‍યો ગયેલો.
વળતો આવ્‍યો ત્‍યારે શરીર લેવાઇ ગયેલું. સરપંચે પોતાના ઘરે જ જમવાનું ગોઠવી દીધેલું. એ જમવા બેસતો ને સવુ
આગ્રહ કરી-કરીને જમાડતી : ‘જુવાન માણહ સો. સું દીદાર કર્યા સે તિ જોવોને. કેવા હુકાઇ ગ્‍યા સો. ખાવ ખાવ.
આ શરીર પાણીની જેમ હાલ્‍યું જાય સે. ખબર નથ પડતી ?‘ અરવિંદ સવુનો હાથ પાછો ઠેલી શકતો નહોતો.
દિવસો પાણીની પેઠે વહેતા રહ્યા. પણ આ દરમ્‍યાન સરપંચનો કપાતર બાજી લગાવતો રહ્યો હતો. સરપંચને
તો ક્યાં ખબર જ હતી કે ઘરે આ દીકરો નહીં પણ દીપડો પાક્યો છે ! દીકરો જુગારિયો અને ફતન દેવાળિયો પાક્યો
હતો. નામ બોળાવ્‍યું. જમીન, ખેતર, ઘરેણાા અને બધું વેચવું પડ્યું. પોતે બદલી થઇને અહીંથી નીકળ્યો ત્‍યારે
સરપંચ પોતાને ખભે માથું નાખીને પોકેપોકે રડી પડ્યા હતા. અરવિંદે સરપંચના ખિસ્‍સામાં ત્રણ હજાર રૂપિ‍યા
નાખ્‍યા. આવવા જવાનું વચન આપ્‍યું પણ –
આવી જ ન શકાયું. એનેય દોઢ દાયકો વીતી ગયો. ઘણી વખત અહીં આવવાના મનસૂબા કર્યા હતત. પણ
મનસૂબાને ક્યાં જીતી શકાય છે ? વચ્‍ચે એક દિવસ વહરા સમાચાર જાણવા મળ્યા કે સરપંચ, દીકરાના કાળા કામના
આઘાતમાં ને આઘાતમાં જ...
ફતન દેવાળિયો કુળદીપક બાવો બનીને ભાગી ગયો. સરપંચના ઘરવાળા તો કે ‘દૂ નાં દેવ થઇ ગયા હતા. હવ
તો બસ, એકલી રહી ગઇ સવુ. અને ભૂતખાના જેવું મકાન.
‘મારે સરપંચના ઘેર જાવું છે.‘ એણે શિક્ષકમિત્ર કમ આચાર્ય વ્‍યાસજીને કહ્યું. વ્‍યાસજી હબક ખાઇ ગયા :
‘સરપંચ એટલે જૂના મકાનમાલિક..?! ‘
‘હા.‘

‘ત્‍યાં શું છે અરવિંદભાઇ?‘
‘એમની દીકરી મળી હતી. હું આટલા વરસ ત્‍યાં રહ્યો. પણ સરપંચ ઓફ થઇ ગયા પછી હું મોઢેય આવી નથી
શક્યો. એટલી અપેક્ષા તો-‘
‘રહેવા દો ને અરવિંદભાઇ ચાલશે.‘
‘ના ના સાહેબ, એ ઘરે જ હશે. કદાચ રાહ પણ જોતી હોય. ‘
‘ રાહ ? ‘ આચાર્ય હસી પડ્યા. પણ અરવિંદને ખોટુ લાગ્‍યુ એણે મનમાં વિરી પણ લીધુઃ ‘ બે શબ્‍દ
વ્‍યાસજીને કહી દઉં કે લાગણીની તમને શું કદર હોય ભલા ? એ તો સરપંચ હારે બે ઘડી બેઠા હોત તો ખબર પડેત કે
એ માણસની ભલાઇ-‘
- એ ચાતક નજરે રાહ જોતી જ હતી. અરવિંદે આંગણામાં પગ મૂકયો ને એના રોમેરોમ પુલકિત થઇ ઉઠ્યાં.
આ ઘર... આ મકાન... અરવિંદ તાકી રહ્યો. એણે ઉપર જોયું. મેડો રહ્યો ન હતો.
‘ મેડો? ‘ એણે સવુને પૂછ્યુ.
‘ ધરતીકંપ-‘ સવુના અવાજમાંય અુવું જ કંપન હતુ. એ અરવિંદને તાકી રહી. અરવિંદ તેને તાકી રહ્યો. એ
કાયાએ ચાલીશી કદાચ વટાવી દીધી હતી. છતા ય હજી જોબર અકબંધ રહ્યુ હતુ. પોતાનાથી તો ચાર-છ વર્ષ નાની
હતી કદાચ. પણ તેર-ચૌદ વરસની ઉંમરે એ અઢારની પૂરણવિકસિત ફૂલ જેવી લાગતી ! હજી ય બહુ ફેર પડયો નથી.
બત્રીસ-પાંત્રીસની જ લાગે છે. પોતે આટલી બધી નવલકથાઓ લખી પણ જયારે નવલકથાની ‘હીરોઇન‘ નું
ચરિત્રચિત્રણ કરતો ત્‍યારે નજર સમક્ષ સવુ જ છવાઇ જતી. એ શબ્‍દેશબ્‍દ દ્વારા જાણે સવુમાં ઉંડો ઉતરતો જતો
હતો. શું હતુ એ સ્‍તરીમાં ?
એનો જવાબ એની પાસેય નહોતો ! પણ લેખન કારકીર્દીમાં આટલો સમય ગાળ્યો. ઘણાઘણા નવા પરિચયો
થયા. ઘણીય સ્‍ત્રી લેખિકાઓ, શિક્ષ્‍િાકાઓ, સ્‍ત્રી વાંચકો- મિત્રો બની હતી પણ સવુ જેવી એક પણ જોઇ નહોતી.
ખુદ દક્ષા પણ નહી. હવે તો દક્ષાય સંતાનોમાં પરોવાઇ ગઇ છે. પોતાનો ખ્‍યાલ કયાં રાખે છે ! નિરસ જીંદગીમાં
સાહિત્‍ય તો એકમાત્ર, ફકત એકમાત્ર પોતાનું કહી શકાય તેવુ – સાથી !
‘ કેમ હાલે સે ! ‘ સવુ બોલીઃ ‘ તમ તો ગ્‍યા ઇ ગ્‍યા જ . આંટો ખાવા ભુલાય નો પડયા કોઇ દિ ? આટલી જ
માયા, મમતા, પરેમ ? તમારી તો કાગડોળે વાટ હતી મારા બાપુને પણ – ‘
‘ હા સવુ, સમય જ ન મળ્યો ! ‘
‘ મારા બાપુ મોટા ગામતરે હાલ્‍યા તયેં ય ટેમ નો મળ્યો ? ‘
‘ મારી ભૂલ છે સવુ. મારે આવવુ જોઇએ...‘ સવુ ! સરપંચનો તો મારા ઉપર કેટલો ઉપકાર છે !
‘ સેલ્‍લે સેલ્‍લે તમને બહુ હંભારતા‘તા. કે‘તા‘તા કે માસ્‍તર જરૂર આવશે. ઇ આવ્‍યા વગર નઇ રે‘ પણ...‘
સવુની આંખ ડબડબી ગઇ.
અરવિંદ કશું બોલી ન શકયો. બે પાંચ પળો તો પહાડ જેવડી લાગી. માંડ ગઇ.

અંતે સવુ થોડી સ્‍વસ્‍થ થઇ ત્‍યારે અરવિંદને હાશ થઇ.
‘ લ્‍યો, ત્‍યારે હું ચા બનાવુ.‘ સવુએ મરકીને કહયુઃ ‘ સોડી દીધી નથી ને ? તમારુ મોટા માણાહનું તો ભલુ
પૂસવુ-‘
‘ ના સવુ. એમ જુનું વ્‍યસન થોડુ મુકાઇ જાય ? ‘ અરવિંદ હસી પડયો સવુ તેની સામે તાકી રહી.
ઉરબંધ આડેથી સરી ગયેલ સાડલાનો છેડો અને અરવિંદની તીરછી નજર ! સવુ, અરવિંદની એ નજરને મૂલવી
રહી અને એ ચા બનાવવા રસોડામાં ગઇ. અરવિંદને હવુે તાજીતાજી જોબનવંતી ફલકુ નદીના બે કાંઠે વહેતા પ્રવાહ
જેવી સવુ સાંભરી આવી. તે દિ‘, આબરૂનો ડર હતો. આજે એ બધું ખંખેરી નાખ્‍યુ છે... બસ હવે તો આ રૂડું એકાંત,
ઢળતા જોબનનો છાક, બસ એક વાર હરમત કરી લેવી છે !
મનની અંદર વિચારોનો ચાકડો ફરતો ગયો ને મનસૂબાનાઃ અને બહેકતી ઇચ્‍છાનો ઘડો ઘડાતો ગયો.
સવુ ચા લઇને આવી. અડાળીમાં ઠારી.
‘ ઠરી જાય ઇ પહેલા પી લ્‍યો....‘ સવુ હસી. અરવિંદને થયુઃ સવુ મારી વાત સમજી ગઇ છે. તેજીને ટકોરો જ
હોય. એણે અડાળી મોઢે માંડતા કહ્યુઃ ‘ હા સવુ તારી વાત સાચી છે. વખત તો તપેલુ લોઢુ છે. સમય જતા ઠરી જાય
છે. ત્‍યારે હારો-હાર ઘાટ ઘડવાના કેલાય મનસૂબાય હાથતાળી દઇને હાલ્‍યા જાય છે. પણ એને પકડી લ્‍યે ઇ જ
રાજા.‘
સવુ હસી પડી. એની મોં કળાની નમણાશ હજી એવી ને એવી જ અકબંધ રહી હતી. એ હસતી ત્‍યારે જાણે
ફૂલ ઝરતા. અરવિંદએ મીઠાશને માણી રહ્યો. હવે અંદરથી કંઇક ઉભરાતુ હતુ. ચા પીતા પીતા એણે સવુને પણ
હારોહાર પી લીધી. ઇ ભેગા કંઇક ઉથલપાથલ થવા લાગી ભીતરમાં. સવુ ખાલી રકાબી લેવા આવી. અરવિંદ એને
અનોખી નજરે તાકી રહ્યો. સવુ અરવિંદને પારખી ગઇ. ‘ લાવો અડાળી...‘ એણે કહયુ.
પરંતુ અરવિંદે લાગલો જ એનો હાથ પકડ્યોઃ ‘ સવુ ‘
‘ શું છે ? ‘
‘ સવુ, હું આવ્‍યો છુ. હવે – ‘
‘ શું જોઇને ? ‘ સવુ ઉભી રહી ગઇઃ ‘ શું જોઇને હવે આવ્‍યા ? હવે તો બધુ ભોળાઇ ગયુ માસ્‍તર. બહુ મોડુ
થઇ ગયુ ! તે દિ‘ આમ બાવડુ પકડયુ હોત તો‘
‘ સરપંચની બીક‘
‘ ના. તમારા માવતરની બીક. તમારી નોકરીની બીક. તમારી આબરૂની બીક હતી તમને. તે દિ‘ હું બે કાંઠે
વહેતી હતી. હું વહેતી હતી તો દરિયામાં ભળવા. એમાં તમે ચાંગળુક પાણી પી શકયા હોત તો તરસ બુઝાત. હું ય
તરસી જ હતી. કારણ કે ત્‍યાં લગી કોઇ દરિયાને વરી નહોતી. એટલે કુંવારી નદી હતી. પણ તમને બીક હતી એ
નદીની. કે કયાંક એનું વહેણ તમારા ઘરમાં આવી જાય. હું તમારા ઘરમાં નો બેહી જાત માસ્‍તર ! ‘
‘ પણ હવે-‘

‘ બહુ મોડુ થઇ ગ્‍યુ‘ માસ્‍તર રહી રહીને...‘
‘સવુ-‘
‘ના ! સવુ બેસી પડીઃ ‘નહી‘ હવે તમને જાતી જીંદગીએ પાપમાં પડવા દેવા માંગતી નથી. ‘ સવુ ગળગળી થઇ
ગઇઃ ‘ આ ઇ સવુ હવે નથી રહી. સવુ હવે બદલાઇ ગઇ છે. તમને છાતી ચીરીને કેમ બતાવુ કે મે તમને શા હારૂ
બોલાવ્‍યા હતા ? મારે મારે...‘ અને ગોઠણ વચાળે માથુ નાખીને ધ્રુસ્‍કે ધ્રુસ્‍કે રડી પડી.
‘ બસ સવુ બસ ‘ હું સમજી ગયો હવે આગળ નહી બોલતી, નહીંચર...‘ કહેતા અરવિંદે એને ઉભી કરીને છાતી
સરસી ચાંપી દીધી. એ છાની રહી ત્‍યારે આજે જ સત્‍કાર સમારંભમાં મળેલી દસ હજાર એકની થેલી સવુને જ
અર્પણ કરી દીને એણે જવા માટે પગરખા પહેર્યા ત્‍યારે સવુ અરવિંદના પગ આગળ ફરી એક વાર ઢગલો બની ગઇ.
અરવિંદે ઉભડક બેસીને તેના ભૂખરાં ઝૂલ્‍ફાંમાં હાથ ફેરવતા કહયુઃ ‘ અત્‍યાર લગી જે થઇ ગયું તે થઇ ગયુ. તારા
આંસુએ કરમને ધોઇ નાખ્‍યા છે. પણ હવે સરપંચના લોહીની ઝાંખીપાંખી ય એક ઓળખ સાચવી રાખજે સવુ ! ‘
કહી ચાલી નીકળ્યો.....‘‘

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

happy community
Together we build happy community
Join us in the journey of happy community, growing together for healthy and calm minded society.